મોહનથાળ સામે ચિક્કીનો પ્રસાદઃ કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

અંબાજીઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કો-કન્વીનર પ્રવક્તા હેમાંગ રાવલની આગેવાનીમાં શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, સ્થાનિકો અને મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીમાં કામ કરતી આદિવાસી મહિલાઓના પ્રતિનિધિઓ પણ જોડાયાં હતાં અને સત્તાવાળાઓને સદબુદ્ધિ મળે એ હેતુથી અંબે માતાજીની ધૂન અંબેમાના ચાચરચોકમાં બોલાવવામાં આવી હતી.

હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અંબાજી મંદિર એ લાખો-કરોડો ભક્તોની આસ્થાનું એક પવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યા છે. એ જ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદાં-જુદા મંદિરોનો વહીવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહીવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વી નિર્ણયો લઈ રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ ૧૦ રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે રૂ. ૧૮ અને રૂ. ૨૫ સુધી કરી નાખવામાં આવ્યો. એટલે કે ૧૫૦ ટકાનો તોતિંગ ભાવવધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો હતો. આ સાથે છ-આઠ મહિના પહેલાં ચિક્કીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું. એક તરફ રૂ. વીસ કરોડનો મોહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ રૂ. એક-દોઢ કરોડનો ચિક્કી પ્રસાદ વેચાતો હતો. 

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા ૧૧ વર્ષમાં ૨૧ લાખથી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધીઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યા- જેની માહિતી RTI દ્વારા મેળવવામાં આવેલી છે.  લાખો-કરોડો ભક્તોની આસ્થા સમાન અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો અવિચારી નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો સ્થાનિકો, વિવિધ પગપાળા મંડળો અને શ્રદ્ધાળુઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન, ધરણાં, પ્રદર્શન અને આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવશે.