સત્તાના દુરુપયોગ, વિકાસને નામે કપાતને મુદ્દે ઉગ્ર આંદોલન

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાવાળાઓ સામે આટલો બધો વિરોધ કેમ? એના જવાબમાં 50 વર્ષથી નારણપુરામાં રહેતા મિતેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોઈ પણ જરૂરિયાત વગર રોડ મોટા કરવા અને સૌથી જૂના કાયદેસર મકાનો, દુકાનો તોડવા નોટિસો આપી ગયા છે. આ વિસ્તારના માર્ગમાં બીઆરટીએસ કે મેટ્રો ટ્રેન આવતા નથી. એમ છતાં ટ્રાફિક અને વિકાસના નામે મકાનો અને દુકાનો તોડવા નોટિસો આપી ગયા છે.  શહેરના નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધી જતા સીધા માર્ગ પર હાલ બંગલા, કોમ્પ્લેક્સ, દુકાનો, વિવિધ ઇમારતો અને વૃક્ષો પર મોટી સંખ્યામાં બેનર્સ લગાડેલાં જોવા મળે છે. આ બેનર્સમાં તંત્ર સામેનો ભારે રોષ વ્યક્ત કરતાં વાક્યો લખવામાં આવ્યાં છે.

પહેલાં ટીપી પ્રમાણે અંદાજે 30 ફૂટ રોડ હતો પછી ધીમે-ધીમે 80 સુધી લઈ ગયા હવે વિકાસને નામે 100 ફૂટ કરવા લોકોના ધંધા-રોજગાર અને ઘર છીનવી રહ્યા છે. સૌ જાણે છે આ વિસ્તારની તમામ સોસાયટીઓ કાયદેસર છે. સ્થાનિક મતદાર પણ સત્તાધારી પક્ષને છેલ્લાં 30 વર્ષથી ખોબલે-ખોબલે મતો આપી રહ્યો છે.  એમ છતાં વિકાસને નામે મકાનો, દુકાનો અને વૃક્ષો કપાઈ રહ્યાં છે.

નારણપુરામાં રહેતા અન્ય સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે, કારણ કે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં અહીંથી જ મેયર અને પ્રધાનો સુધી પહોંચેલા સત્તાધારી પક્ષના લોકો પ્રજાની વાત પણ સાંભળતા નથી. સમગ્ર નારણપુરાના લોકો આ મુદ્દે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)