ગુજરાત સાયન્સ સિટીમાં ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ વિશ્વ જળ દિન પ્રતિ વર્ષ 22 માર્ચે ઊજવવામાં આવે છે. શુદ્ધ જળનું મહત્ત્વ સમજાવવા અને ભવિષ્યમાં તમામ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનો બગાડ અટકાવી યોગ્ય રીતે ઉપયોગ માટે પ્રેરણા આપવા આ ઉજવણી કરવામાં આવે છે. 

જળ એ જ જીવન છે. વિશ્વમાં ઘણા પ્રદેશો ઊંડા ભૂગર્ભ જળ, દુષ્કાળ, ક્ષાર-પ્રદૂષણ, શુદ્ધ પાણીની તંગી  જેવી વિવિધ જળ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જળ દિવસ નિમિતે શુદ્ધ જળની જરૂરિયાત, જળ વ્યવસ્થાપન અને તેના જવાબદારીભર્યા ઉપયોગ અંગે જનસમુદાયને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ગુજરાત સાયન્સ સિટીમાં 22 માર્ચ, 2022એ ‘ભૂગર્ભ જળ – અદ્રશ્યને દ્રશ્યમાન બનાવીએ’ (Groundwater: Making the invisible visible) – થીમ અંતર્ગત ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત સાયન્સ સિટીમાં આ ઉજવણી અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જળ વૈજ્ઞાનિક (હાઇડ્રોલોજિસ્ટ) બાલક્રિશન પંડિત ભૂગર્ભ જળ વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “પાણી પણ એક મર્યાદિત  સ્ત્રોત છે અને તેનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. પાણી જેટલું નાનું દેખાય છે તેટલું જ મહત્વનું છે.” બાળકો વોલિન્ટિયર (સ્વયંસેવક) બની પાણી અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે એ માટે તેમને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉજવણી અંતર્ગત આયોજિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા આ વિષયની સુંદર રજૂઆત કરી હરી. નડિયાદ ઇંગ્લિશ સ્કૂલના 200થી વધુ વિદ્યાર્થીઓ સાથે અન્ય લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા.

રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડી ઉજ્જવળ ભવિષ્ય માટે જનસમુદાયને જાગ્રત કરવા કટિબદ્ધ છે.