ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી

અમદાવાદ: ‘વિશ્વ જળ દિન’ પ્રતિ વર્ષ 22 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. શુદ્ધ જળનું મહત્વ સમજાવવા અને ભવિષ્યમાં તમામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનો બગાડ અટકાવી યોગ્ય રીતે ઉપયોગ માટે પ્રેરણા આપવા આ ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વમાં ઘણા પ્રદેશો જળ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જળ દિવસ નિમિતે શુદ્ધ જળની જરૂરિયાત, જળ વ્યવસ્થાપન અને  તેના જવાબદારીભર્યા ઉપયોગ અંગે જનસમુદાયને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ગુજરાત સાયન્સ સિટી ખાતે 22 માર્ચ 2022ના રોજ ‘ભૂગર્ભજળ – અદ્રશ્યને દ્રશ્યમાન બનાવીએ’ ( Groundwater : Making the invisible visible ) – થીમ અંતર્ગત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે આ ઉજવણી અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જળ વૈજ્ઞાનિક (હાઈડ્રોલોજિસ્ટ) બાલક્રિશન પંડિત સાથે સાયન્સ સિટી ઓડિટોરિયમમાં સવારે 11:00 કલાકે ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ જળ સૌનો મૌલિક અધિકાર છે અને તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી ભૂગર્ભજળ વિષે ચર્ચા દ્વારા બાલક્રિશન પંડિત ભાગલેનારાઓને પ્રોત્સાહિત કરશે. આ ઉજવણી અંતર્ગત  ભાગલેનાર વિદ્યાર્થીઓ માટે વિચારપ્રેરક  ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 200થી વધુ વિદ્યાર્થીઓએ સાથે અન્ય લોકો પણ આ ઉજવણીમાં જોડાશે.

વૈશ્વિક તાપમાનમાં વધારો, ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેટ ચેન્જ જેવી  હવામાનલક્ષી બાબતો અંગે નાગરિકોને જાગૃત કરવા પ્રતિવર્ષ, 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા હવામાનને લગતા પ્રશ્નો અને તેના સમાધાન વિશે  લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી ‘વહેલી ચેતવણી અને વહેલી કાર્યવાહી’ (Early Warning and Early Action) થીમ અંતર્ગત 23 માર્ચે  ‘વિશ્વ હવામાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત પ્રવર્તમાન થીમ પર ISRO-SACના પૂર્વ વૈજ્ઞાનિક ડો. સી.એમ. નાગરાણી સાથે  ઈંટરેક્ટિવ સેશનનું આયોજ્ન કરવામાં આવ્યું છે. નાગરાણી રસપ્રદ ચર્ચા દ્વારા હવામાન શાસ્ત્રને લગતા પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સજાગ બની કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે અંગે ચર્ચા કરશે.

આ ઉપરાંત વિશ્વ હવામાન દિવસની ઉજવણી અંતર્ગત હવામાનના અભ્યાસ માટે ઉપયોગમાં આવતા વિવિધ સાધન સામગ્રીની જાણકારી આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, તથા ભાગ લેનાર વિદ્યાર્થીઑ માટે સાયન્સ સિટી કેમ્પસ અને તેની અત્યાધુનિક ગેલેરીઓની ગાઈડેડ ટુરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડી ઉજ્વળ ભવિષ્ય માટે જનસમુદાયને જાગૃત કરવા કટિબધ્ધ છે.