વાઇબ્રન્ટ સમીટ 10-12 જાન્યુ.એ યોજાશેઃ CMએ રોડ-શો યોજ્યો

અમદાવાદઃ મૂડીરોકાણને આકર્ષવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષે 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી આ સમીટની તૈયારીઓ વિશે વડા પ્રધાનને માહિતગાર કર્યા હતા. વડા પ્રધાન આ સમીટનું ઉદઘાટન કરશે. મુખ્ય પ્રધાને  દિલ્હીમાં આ નિમિત્તે  રોડ-શો આયોજિત કર્યો હતો.

મુખ્ય પ્રધાને દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠકો કરી હતી. તેમણે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના MD અને CEO કેનિચી આયકાવા સાથે પણ બેઠક કરી હતી. રાજ્યમાં હાલ કંપની દ્વારા રૂ. 16,000 કરોડના મૂડીરોકાણની પણ વિગતો તેમણે CMને આપી હતી.

મુખ્ય પ્રધાને અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ સાથે બેઠક યોજી હતી, જેમાં કંપનીએ વીજ ક્ષેત્રે રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરવા ઇચ્છા દર્શાવી હતી. આ સિવાય તેમણે  PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઇસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે બેઠકો યોજી હતી.

આગામી વાઇબ્રન્ટ સમીટમાં યુએસ, નેધરલેન્ડ ફ્રાન્સ અને જર્મની અને રશિયા અને UAE નો સમાવેશ કરવામાં આવશે. આગામી સમયમાં મુખ્ય પ્રધાન UAE જશે અને લગભગ 30 થી 35 જેટલા ઉદ્યોગકારોનું આ પ્રતિનિધિમંડળ બનશે. કુલ સાત જેટલા પ્રતિનિધિ મંડળમાં ગુજરાતના પ્રધાનોના અધિકારી અને ઉદ્યોગકારોની ટીમ લીડ કરશે. આ વર્ષે 25 દેશ આ સમિટમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.