ન્યૂયોર્ક છોડતાં દુઃખી-થઈ સુહાના; મુંબઈ-પાછી આવી રહી-છે

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ઈન્ટીરિયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાનની પુત્રી સુહાના ખાને પોતે ન્યૂયોર્ક શહેર છોડી રહી હોવાનો ઈશારો કર્યો છે. એ 2019થી ન્યૂયોર્કમાં છે. ત્યાંની ન્યૂયોર્ક યૂનિવર્સિટીની ટીશ્ક સ્કૂલ ઓફ ધ આર્ટ્સમાં એ ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરી રહી છે. હવે અભ્યાસ પૂરો થઈ ગયો હોવાથી એને ‘બિગ એપલ’ ન્યૂયોર્ક છોડવાનો સમય આવ્યો છે. એનાથી પોતાને કેટલું દુઃખ થાય છે એ દર્શાવતી એક પોસ્ટ 21-વર્ષીય સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર મૂકી છે. સુહાના ઈન્ટરનેટ સેન્સેશન છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર એનો મોટો ચાહકવર્ગ છે. એની પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થતી હોય છે.

પોતાની પોસ્ટમાં એણે ન્યૂયોર્કના એક મકાન અને એની નીચેથી દોડતી જતી એક ટ્રકનું મોનોક્રોમ ચિત્ર શેર કર્યું છે. ટ્રક પર લખ્યું છે: ‘ચિંતા ન કરો. ધારો કે તમારે ન્યૂયોર્ક છોડવું પણ પડે તોય તમે કાયમ ન્યૂયોર્કર જ રહેશો.’ આ પોસ્ટ સાથે સુહાનાએ દિલ તૂટતું એક ઈમોજી મૂક્યું છે. તેની આ પોસ્ટનાં કમેન્ટ વિભાગમાં એનાં ઘણાં મિત્રોએ સંદેશા શેર કર્યાં છે. એક જણે લખ્યું છેઃ ‘ન્યૂયોર્ક તને યાદ રાખશે.’ બીજાએ એને શુભેચ્છા આપતાં લખ્યું છે, ‘તું અદ્દભુત કામો કરવાની છો.’ અન્ય એક મિત્રએ એને ‘ગુડ લક’ કહ્યું. સુહાના ગયા વર્ષે કોવિડસંકટ વખતે જ મુંબઈ આવી હતી અને પરિવારજનો સાથે સારો એવો સમય રહી હતી. બાદમાં આ વર્ષના જાન્યુઆરીમાં લોકડાઉન બાદ એ ન્યૂયોર્ક પાછી ગઈ હતી અને પોતાનો અભ્યાસ આગળ વધાર્યો હતો.

અહેવાલો અનુસાર, સુહાનાને બોલીવુડમાં અભિનેત્રી બનવું છે. ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ નામની એક ટૂંકી અંગ્રેજી ફિલ્મમાં એ અભિનય કરી ચૂકી છે.