શક્તિ મિલ ગેંગરેપ-કેસના 3-અપરાધીની ફાંસી જન્મટીપમાં ફેરવાઈ

મુંબઈઃ 2013ની 22 ઓગસ્ટે અહીંના મહાલક્ષ્મી ઉપનગરમાં ઉજ્જડ હાલતવાળા શક્તિ મિલ કમ્પાઉન્ડ સ્થળે એક યુવતી પર સામુહિક બળાત્કાર કરનાર ત્રણ અપરાધીઓની ફાંસીની સજાને મુંબઈ હાઈકોર્ટે આજે આજીવન કેદમાં ફેરવી નાખી છે. અગાઉ સેશન્સ કોર્ટે ત્રણેય અપરાધીને ફાંસીની સજા ફટકારી હતી. બાદમાં હાઈકોર્ટે તે સજાને માન્ય પણ રાખી હતી, પરંતુ અપરાધીઓએ ચુકાદા સામે અપીલ નોંધાવી હતી. આ કેસમાં કુલ પાંચ અપરાધી છે – વિજય જાધવ, સલીમ અન્સારી, સિરાઝ ખાન, કાસીમ બંગાલી અને સગીર વયનો છોકરો. આમાંના સિરાઝ ખાનને સેશન્સ કોર્ટે અગાઉ જ જન્મટીપ સજા આપી હતી. સગીર વયના છોકરાને બાળસુધાર ગૃહમાં મોકલી દીધો હતો. બાકીના ત્રણ – વિજય જાધવ, સલીમ અન્સારી અને કાસીમ બંગાલીએ એમની ફાંસીની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે સુનાવણી કરીને હાઈકોર્ટની મોટી બેન્ચે ત્રણેયની ફાંસીને રદ કરીને જન્મટીપ સજા કરી છે.

હાઈકોર્ટની મોટી બેન્ચે એમ કહીને ફાંસીના ચુકાદાને બદલી નાખ્યો છે કે, આ અપરાધીઓ સમાજ દ્વારા અપનાવવાને લાયક રહ્યા નથી, પણ કાયદાનો વિચાર કરીને આ કેસ ફાંસીનો નથી. અપરાધીઓ જન્મટીપની સજાને પાત્ર છે. મહિલાને એક વસ્તુ ગણતા આ અપરાધીઓ કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી આજીવન કેદ ભોગવશે. એમને પેરોલ પર છૂટવાનો કે સમાજમાં ભળવાનો હક નહીં મળે.

કેસની વિગતમાં, પીડિત મહિલા એક ફોટોગ્રાફર હતી અને તે એનાં મિત્રની સાથે ફોટોગ્રાફી માટે શક્તિ મિલ્સ કમ્પાઉન્ડમાં ગઈ હતી. એ વખતે પાંચ અપરાધીઓએ એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. ઘટના બહાર આવતા દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે પાંચેય અપરાધીને પકડ્યા હતા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમની પર કેસ ચલાવ્યો હતો.