વાઇબ્રન્ટ ગુજરાતઃ CMની ઉદ્યોગપતિ, રોકાણકારો સાથે બેઠક

 નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી અગાઉ આવતા વર્ષે 10થી 12 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે. એ પૂર્વે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી તથા મુંબઇમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આ સંદર્ભે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે તેમણે વન-ટુ-વન મીટિંગ શરૂ કરી હતી.

નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ મીટિંગ દરમિયાન રેલવે બોર્ડના ચેરમેન જયા સિન્હાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ધોલેરા ભીમનાથ, અમદાવાદ ધોલેરા, હજીરા સુરત, આબુ અંબાજી તારંગા વગેરે રૂટ પરના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિ DPR અને ટેન્ડર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકાર સાથે વિવિધ રેલવે સ્ટેશનો અને હાઇ સ્પીડ રેલ કોરિડોરના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી.

આ બેઠકમાં મુખ્ય મંત્રી પટેલે બોરોસિલ લિમિટેડના MD શ્રીવર ખેરુકાને પણ મળ્યા હતા. કંપનીએ રૂપિયા 100 કરોડના મૂડીરોકાણ સાથે ટ્યુબિંગ ફર્નિશિંગ પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. આ બેઠકમાં ખેરુકાએ મુખ્ય મંત્રી પટેલને જણાવ્યું હતું કે કંપનીની 2024 સુધીમાં રૂપિયા 625 કરોડની કુલ વિસ્તરણ યોજના છે.Paytmના CEO અને સ્થાપક વિજય શેખર શર્મા પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે ગુજરાતના GIFT સિટી દ્વારા Paytm કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યોમાં શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.