દિલ્હીમાં ગુજરાતી રંગભૂમિના પુનરુત્થાનમાં પ્રાણ ફૂંકનારા પીઢ અભિનેતા અરવિંદ રાય શાહની ચિરવિદાય

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર નાટ્યમંચનો થયાં છે. એમાં અનેક નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવીને ભારે લોકચાહના મેળવનાર વયોવૃદ્ધ કલાકાર અરવિંદ રાય શાહનું  ગઈ 22 મેના શનિવારે દિલ્હીમાં અવસાન થયું. તે ૮૫ વર્ષના હતા. અરવિંદ શાહને નાનપણથી જ અભિનયનો બહુ શોખ હતો અને યુવાનીના સમયમાં બેન્કની નોકરીની સાથોસાથ તેઓ ઘણો સમય આપીને નાટકોમાં કામ કરતા હતા. તેમણે દિલ્હીમાં અને જયપુર તથા ઉત્તરપ્રદેશ વગેરે વિવિધ સ્થળોએ ભજવાયેલ અનેક નાટકોમાં અસંખ્ય ભૂમિકાઓ કરી હતી. ઉંમરના એક ઉંબરે કુટુંબની જવાબદારીઓ આવી પડતાં તેમને નાટકનો શોખ પડતો મૂકવો પડ્યો હતો.

શ્રી દિલ્હી ગુજરાતી સમાજની મહિલા સમિતિ દ્વારા ૨૦૧૭માં નાટ્યોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દિલ્હીના જ કલાકારો અને દિગ્દર્શકો દ્વારા નિર્મિત કેટલાંક નાટકો ભજવાયેલાં. જેમાં બહુ વખણાયેલા અને ચર્ચિત થયેલા નાટક ‘અબોલા રાણી’માં અરવિંદ શાહે ખૂબ જ ઘ્યાનાકર્ષક પાત્ર ભજવ્યું હતું. એ પછી ‘બાપા ઘરે આવો ને’ નામના કોમેડી નાટકમાં એમણે દિલ્હીના વડીલોનું ભરપેટ હસાવીને મનોરંજન કર્યું અને ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ અવસરે નિર્મિત ‘જીવન હી સંદેશ’ અને ‘એવા ગાંધી ગુજરાતે ઉતર્યા’ નાટકમાં ગાંધીજીની મુખ્ય ભૂમિકા અદા કરી જબ્બર લોકપ્રિયતા મેળવી હતી.

નાટ્યલેખક- દિગ્દર્શક ભાગ્યેન્દ્ર પટેલના ‘અલબેલા’ અને ‘એવા’ નામે એમેચ્યોર નાટ્યગ્રુપ હેઠળ આબાલવૃદ્ધ પચાસથી વધુ કલાકારો નાટ્યપ્રવૃત્ત થયા જેમાં અરવિંદ રાય ‘દાદા’ના હુલામણા નામે બહુ જાણીતા હતા. તેઓ નાટ્યની પ્રવૃત્તિઓમાં યુવાનોને પ્રેરણા આપે એવા ઉત્સાહી ને ઉર્જાવાન હતા. દિલ્હીની ગુજરાતી રંગભૂમિને ફરીથી તખ્તા પર લાવવામાં એમનો મહત્વનો ફાળો રહ્યો છે. એમના નિધનથી રાજધાનીમાં ગુજરાતી નાટકો ક્ષેત્રે મોટી ખોટ પડી છે.