રામદેવ સામે રાજદ્રોહની કાર્યવાહી કરોઃ IMA (મોદીને)

નવી દિલ્હીઃ એલોપેથી અને એલોપેથિક ડોક્ટરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ યોગગુરુ બાબા રામદેવને માનહાનિની નોટિસ મોકલી છે અને 15-દિવસની અંદર માફી માગવાની માગણી કરી છે. જો રામદેવ માફી નહીં માગે તો અમે રામદેવ પાસેથી રૂ. 1000 કરોડના વળતરની માગણી કરીશું એમ પણ સંસ્થાએ કહ્યું છે.

રામદેવને છ-પાનાંની નોટિસ આઈએમએ, ઉત્તરાખંડના સેક્રેટરી અજય ખન્ના વતી એમના વકીલ નીરજ પાંડે દ્વારા મોકલવામાં આવી છે. એમાં રામદેવે કરેલી ટિપ્પણીને એલોપેથી તથા આ સંસ્થા સાથે સંકળાયેલા આશરે 2,000 જેટલા પ્રેક્ટિશનરોની પ્રતિષ્ઠા અને પ્રતિભા માટે હાનિકારક ગણાવવામાં આવી છે. યોગગુરુની ટિપ્પણીને સંસ્થાએ ભારતીય ફોજદારી કાયદાની કલમમ 499 હેઠળ ક્રિમિનલ હરકત તરીકે લેખાવી છે. સંસ્થાએ એમને કહ્યું છે કે 15-દિવસની અંદર તે માફી માગે નહીં તો આઈએમએના પ્રત્યેક સભ્ય દીઠ રૂ. 50 લાખના દરે એમની પાસેથી રૂ. 1000 કરોડ વળતર પેટે માગવામાં આવશે. નોટિસમાં રામદેવને એમ પણ જણાવવામાં આવ્યું છે કે પોતે કરેલા આક્ષેપોને ખોટા ગણાવતા નિવેદનવાળી એક વિડિયો ક્લિપ તે બનાવે અને એમણે પોતે એમનો અગાઉનો વિડિયો જ્યાં જ્યાં પોસ્ટ કર્યો હતો એ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરે.

આઈએમએની પીએમ મોદીને લેખિતમાં ફરિયાદ

દરમિયાન, ડોક્ટરોની આ સંસ્થાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને રામદેવ સામે રાજદ્રોહના આરોપ સહિત કડક પગલું ભરવામાં આવે. પતંજલિ સંસ્થાના માલિક રામદેવને રસીકરણ અંગેનો અપપ્રચાર કરતા રોકવા જોઈએ. એક વિડિયોમાં, રામદેવેએ એવો દાવો કર્યો હતો કે રસીના બંને ડોઝ લીધા બાદ પણ 10,000 ડોક્ટરો અને લાખો લોકો માર્યા ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]