અમદાવાદઃ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચા કરીને ચાર રસ્તા પર સર્કલો બનાવવામાં આવે છે, પણ એની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવે છે. શહેરના સરસપુર રખિયાલ વોર્ડમાં આવેલા રાયપુર મિલના ચાર રસ્તા પરનું સર્કલ ભંગાર અને ઉકરડામાં ફેરવાઈ ગયું છે. ગુજરાત અને શિક્ષણની થીમ સાથે તૈયાર કરવામાં આવેલા આ સર્કલમાં મૂકવામાં આવેલી કૃતિઓ તૂટી ગઈ છે.
એકલા સરસપુર વિસ્તારમાં જ થોડા-થોડા અંતરે આવેલા ચાર રસ્તા પર જુદી-જુદી થીમ સાથે સર્કલ તૈયાર કરવામાં આવ્યાં છે. શહેરની સુંદરતા વધારવા, મહાનુભાવો, મહાપુરુષોની યાદગીરીરૂપે અનેક સર્કલ તૈયાર કરવામાં આવ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોમી એકતા, ભાઈચારા અને શિક્ષણ વધે, લોકો ભણે એવી કૃતિઓના આકર્ષક સ્કલ્પચર તૈયાર કરી માર્ગો પર મૂકવામાં આવ્યાં છે, પરંતુ મોટું બજેટ ફાળવી તૈયાર કરવામાં આવેલા સર્કલ પરના સ્ટેચ્યુ બિસ્માર અને ગંદકીથી ઘેરાયેલા જોવા મળે છે.
રાયપુર મિલ ચાર રસ્તા પરના સર્કલમાં શિક્ષણ આપતો ગુજરાતનો નકશો તૂટી ગયો છે. સ્ટેચ્યુની આસપાસ ગંદકી ઠલવાય છે. રાયપુર મિલ ચાર રસ્તાનાં સર્કલ સહિત શહેરના મોટા ભાગનાં સર્કલ પર રાજકીય બેનર્સ, ઝંડા, ધાર્મિક કાર્યક્રમોની જાહેરાતનાં બેનર્સ લગાડી દેતાં મૂળ થીમની ગરિમા જળવાતી નથી..
(પ્રજ્ઞેશ વ્યાસ)