અમદાવાદ: કોરોના વાઈરસનો ફેલાવો અને તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના મુશ્કેલીના સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદોની મદદે આવી રહી છે. ઘણી સંસ્થાઓ ભોજન તેમજ અન્ય સામગ્રીઓનું વિતરણ કરી રહી છે તો અહીં એક એવી સંસ્થા છે જે જરૂરિયાતમંદ લોકો અને બાળકોને ચોકલેટ અને વેફર પેકેટ્સનું વિતરણ કરી રહી છે.
મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન, ઈન્ડિયાએ લોકડાઉન શરું થયું ત્યારથી જરૂરીયાતમંદ લોકો અને બાળકોને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટ્સનું વિતરણ કર્યું છે.
ફાઉન્ડેશનના કુસુમ વ્યાસ કૌલ જણાવે છે કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કપરા સમયમાં બાળકોને સૌથી વધુ મુશ્કેલીઓ પડતી હોય છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદેશ્યથી લોકડાઉમાં અમે બાળકોને ચોકલેટ તેમજ ચીઝ વેફર્સના પેકેટનું વિતરણ શરુ કર્યું. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છત્તિસગઢમાં અત્યાર સુધીમાં 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટનું વિતરણ કર્યું છે.
ઈન્ડિયા ફૂડ બેંકિંગ નેટવર્ટ આ જંગી પ્રોજેક્ટની કરોડરજ્જુ છે, જેને બ્રિટાનીયા અને મોન્ડલેઝ જેવી એફએમસીજી કંપનીઓનો સહયોગ હાંસલ થયો છે. કોરોના કાળમાં રાતદિવસ કામગીરી કરી રહેલા ડોક્ટર્સ અને હેલ્થવર્કર્સને પ્રોત્સાહિત કરવા માટે ફાઉન્ડેશન દ્વારા પ્રોટીન મિલ્કશેક અને પ્રોટીન કૂકીઝનું અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશન સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના ઉત્કર્ષ માટે સખત પરિશ્રમ કરી રહ્યું છે.