ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરના પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહેવા અંગે ગુજરાતનાં વડા ચૂંટણી અધિકારી પી. ભારતીએ ચિંતા વ્યક્ત કરી છે.
એમણે કહ્યું છે કે પ્રત્યેક મતદારે, ખાસ કરીને શહેરી વિસ્તારોનાં લોકોએ ઉત્સાહ જાળવીને મતદાન કરવા જવું જોઈએ. શહેરી વિસ્તારોનાં યુવા મતદારો એમની ઉદાસીનતાને દૂર કરીને વોટ આપવા જાય એ માટે વડા ચૂંટણી કમિશનર સતત પ્રયત્નશીલ રહ્યાં છે. ચૂંટણી પંચ અવારનવાર શહેરી મતદારોને અપીલ કરતું રહ્યું છે કે મતદાન કરીને તેઓ એમનો લોકતાંત્રિક અધિકાર હાંસલ કરે.
ઉલ્લેખનીય છે કે, પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર પ્રદેશ, કચ્છ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગો મળીને કુલ 19 જિલ્લાઓની 89 બેઠકો પર એકંદરે 63.14 ટકા મતદાન થયું હતું. મતદાનની ટકાવારી સવારે 9 વાગ્યા સુધી 4.94 ટકા હતી, ત્યારબાદ 11 વાગ્યે 19.24 ટકા, બપોરે 1 વાગ્યે 36.65 ટકા, 3 વાગ્યે 48.65 ટકા નોંધાઈ હતી. મતદાન સૌથી વધારે – 78.24 ટકા નર્મદા જિલ્લામાં થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં, 57.58 ટકા થયું હતું.
હવે બીજા તબક્કામાં, પાંચ ડિસેમ્બરના સોમવારે 93 મતવિસ્તારોમાં મતદાન યોજાશે. એ માટે 833 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતરશે. મતગણતરી 8 ડિસેમ્બરે કરાશે અને એ જ દિવસે પરિણામ ઘોષિત થશે.