રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમીની આગાહીઃ 249 હીટ સ્ટ્રોકના કેસ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે  હજી બે દિવસ સુધી આવું જ સૂકું વાતાવરણ યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળવાના અણસાર નથી. જેને પગલે રાજ્યના લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 42થી 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. જોકે આગામી વીકએન્ડ એટલે કે 13 મેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો  થવાની શક્યતા છે. જેથી રાજ્યના લોકોને રાહત મળશે, પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે.

હાલ રાજ્યમાં સૌથી વધુ 43.9 તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહ્યું છે. આવામાં બે દિવસ હજી લોકોએ ગરમીનો પ્રકોપ વેઠવો પડશે. આજે કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી છે. સુરતમાં યલો અલર્ટ, જ્યારે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. હાલ અમદાવાદમાં 43-44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.

એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડિરેક્ટર જયેશ કતિરાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ-અલગ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં 249 હીટ સ્ટ્રોકના બનાવ બન્યા છે, જોકે કોઈ ગંભીર કેસ નથી.

 

heat meteorological department heat waves