અમદાવાદઃ રાજ્યમાં ટ્રકનાં પૈડાં થંભી ગયાં છે. કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ હડતાળ પાડીને વિરોધ કર્યો છે. ટ્રકચાલકોની સાથે હવે સુરતમાં તો BRTS અને AMTSના ડ્રાઇવરોએ ત્રણ દિવસની હડતાળ પાડી છે. આ સાથે ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઇવારોએ હડતાળ પાડીને વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકોનો ખડકલો કરી દીધો છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઇવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમ જ ફરીથી વાહનચાલકને લાઇસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઊતર્યા છે. ટ્રક ડ્રાઇવરોએ ઠેર-ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રક ડ્રાઇવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે બાંયો ચઢાવી હતી. નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઈ છે, જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. અહીં રોડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હડતાળને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માગ છે કે આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.