અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે કેસોને અંકુશમાં લાવવા માટે આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ સવારથી અમદાવાદની સ્થિતિ અંગે સતત ચાલેલી બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો જ ચાલુ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ રહેશે નહી. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણપણે બંધ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. તેથી હવે શહેરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આરોગ્યની ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. લોકડાઉનના કડક અમલ માટે અર્ધલશ્કરી દળોને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી સિનીયર આઈએએસ ઓફિસર કે. કૈલાસનાથન દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી હતી, તેનું પરિણામ એ આવ્યું છે કે અમદાવાદમાં સાત દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન થશે તો જ આ ચિંતાજનક સ્થિતિમાંથી ઉભરી શકાય તેમ છે.
મહત્વનું છે કે અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોવાળા સુપરસ્પ્રેડર બની ગયા હતા. જેથી સંપૂર્ણ લોકાડાઉનમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દૂધ અને દવા સિવાય અમદાવાદમાં સાત દિવસ કંઈ જ નહી મળે. અમદાવાદનો ચાર્જ લેનારા મુકેશ કુમારે એન્ટ્રી કરતા જ સપાટો બોલાવ્યો છે.