અમદાવાદઃ શહેરમાં ઘનઘોર વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભાદરવા મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ઉકળાટ બાદ ગુરુવારની સવારે ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો અમદાવાદમાં વરસી પડ્યાં હતાં. શહેરમાં પડી રહેલા વરસાદથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
એક તરફ ભાદરવોને ગણેશોત્સવની શરૂઆત અને બીજી તરફ સપ્ટેમ્બરના પ્રારંભે અકળાવી નાખે એવા ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી જીવરાજ પાર્ક, શિવરંજની, સેટેલાઇટ, વાસણા અને વેજલપુરમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
શહેરમાં વીજળીના કડાકા સાથે તુટી પડેલા વરસાદથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
(પ્રજ્ઞેશ વ્યાસ)