પૃથ્વીનાં સંરક્ષણ માટે પ્રકૃતિ પ્રત્યે પુનઃઆદરભાવ જાગૃત કરો: શ્રી શ્રી રવિશંકર

બર્ગેન (નોર્વે): વાતાવરણ અને જળ-વાયુ પરિવર્તનને લીધે થઈ રહેલી દુર્ઘટનાઓનાં વિનાશક પરિણામો પ્રતિ દુનિયા સંઘર્ષ કરી રહી છે અને ઊર્જા માટે વધુ હરિયાળા તથા સુરક્ષિત વિકલ્પો શોધી રહી છે ત્યારે નોર્વેના બર્ગેનમાં “ભારતમાં  હરિત હાઈડ્રોજનના ઉપયોજનની તક” શિર્ષક અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય જલવાયુ પરિવર્તન શિખર સંમેલન-૨૦૨૨નું આયોજન થયું હતું. આ સંમેલનમાં ગ્રીન ઊર્જા, વિશેષતઃ ગ્રીન હાઈડ્રોજન વિશે ચર્ચાવિચારણા કરવા ઉદ્યોગોના પ્રતિનિધિઓ, શિક્ષણકારો, સંશોધકો અને નીતિવિશેષજ્ઞોએ ભાગ લીધો હતો.

વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીને આ પરિષદનાં ઉદ્દઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે પૃથ્વીને બચાવવા માટે જાગૃતિ કેળવવાની તથા પ્રાકૃતિક સંસાધનો પ્રત્યે આદરભાવ ફરીથી જગાડવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમના દ્વારા સ્થાપિત ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાએ ભારતભરમાં ૪૮ નદીઓને પુનઃજીવિત કરી છે,  જેનાથી ૩૪.૫ લાખ લોકો લાભાન્વિત  થયાં છે તથા ૩૬ દેશોમાં ૮૧ લાખ વૃક્ષોનું આરોપણ કર્યું છે.

ઉદ્દઘાટન સમારોહમાં ગુરુદેવ ઉપરાંત ભારતના પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નોર્વેના વેપાર અને ઉદ્યોગ મંત્રી જેન ક્રિશ્ચિયન વેસ્ત્રે, નોર્વેના આબોહવા અને પર્યાવરણ મંત્રી એસ્પેન બાર્થ એઈડ, હરિયાળા હાઈડ્રોજન સંસ્થા-GH2ના ચેરમેન(ભૂતપૂર્વ: UNEP ના ડાયરેક્ટર તથા નોર્વેના મંત્રી) એરિક સોહેમ વિગેરે અન્ય મહાનુભાવો અને વક્તાઓ ઉપસ્થિત હતા.

ગુરુદેવે જણાવ્યું “વિશ્વની સઘળી સંસ્કૃતિઓએ સૂર્ય, જળ, પર્વતો અને વાયુને પવિત્ર માન્યા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આ સંસાધનો ખૂબ અગત્યનાં છે. આપણે વધારે વૃક્ષો વાવવાની જરૂર છે. આપણે આપણા જળ સંસાધનોની જાળવણી કરવાની જરૂર છે. આપણે પૃથ્વીમાં અને તેમાંથી  આપણા શરીરમાં એકત્રિત થતા નુકસાનકર્તા રસાયણો અને ખાતરથી પૃથ્વીને બચાવવાની જરૂર છે.” તેમણે જણાવ્યું  કે ભારત અને નોર્વે બે બાબતોમાં અગ્રેસર રહ્યા છે- વિખવાદનું નિરાકરણ/શાંતિ અને પર્યાવરણનું રક્ષણ. ગુરુદેવએ જણાવ્યું કે ભારતમાં એવી પૌરાણિક પ્રથા હતી કે, જો કોઈ વૃક્ષ કાપવું જ પડે એવું હોય તો એ વૃક્ષ કાપનારે તે વૃક્ષને બદલે બીજા પાંચ વૃક્ષો વાવવા માટે બીજ રોપવા જ પડતા.

પાકિસ્તાનમાં આવેલ વિનાશક પૂર જેવી અનેક પ્રાકૃતિક દુર્ઘટનાઓના સંદર્ભમાં તેમણે જણાવ્યુંઃ “ગ્રીન ઊર્જા (પ્રયોજન અને ઉપયોગ), એ પૃથ્વીનાં સંરક્ષણ માટે એક માત્ર ઉપાય છે.” 

નીતિન ગડકરીએ કહ્યું,”ગ્રીન હાઈડ્રોજનના સૌથી મોટા ઉત્પાદક બનવાની  ભારતમાં ક્ષમતા છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકશાનકર્તા કેટલીક પ્રક્રિયાઓ, જેવી કે પાકની લણણી પછી તણખલાંને બાળવા, એ વિશે જાગૃતિ કેળવવાની જરૂર છે.”

આ સંમેલનનું આયોજન Invest India (રાષ્ટ્રીય રોકાણ અભિવર્ધક અને મદદનીશ સંસ્થા), નોર્વેની Greenstat અને Norwegian Hydrogen Forum ના સહયોગથી PHD Chamber of Commerce દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિખર પરિષદના કેટલાક મુખ્ય મુદ્દામાં ભારતમાં ઔધોગિક અને ઘરગથ્થુ વપરાશ માટે વિશાળ સ્તરના હાઈડ્રોજન પ્લાન્ટ્સની સ્થાપના માટે પ્રોત્સાહન આપવા, ગ્રીન હાઈડ્રોજનના પરિવહન અને સંગ્રહ માટે યોગ્ય સુવિધાઓ સ્થાપવી અને વિકસાવવી,ખર્ચ પરવડે એવી ટેકનોલોજી, સંશોધન અને વિકાસ માટે સહયોગ કરાર, સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્થાપના, ઉપલબ્ધ સ્ટાંડર્ડ- માપદંડ અને આંતરરાષ્ટ્રીય સ્ટાંડર્ડ અંગે નીતિઓ, સસ્ટેનેબલ ઊર્જા ઉત્પન્ન કરવા માટે  સુરક્ષિત ઉપાય અને સાથે સાથે ભારતનાં નેટ ઝીરો લક્ષ્યાંકની સિધ્ધિ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.