સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યભરમાં ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે, પરંતુ અમદાવાદીઓએ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઇક્લોનિક સરક્યુલેશનને  સિસ્ટમને પગલે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. ખેડૂતો અને માછીમારોને સાવધ રહેવા જણાવ્યું છે.સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સાંજ અને રાતના સમયે મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. જેથી ગુજરાતમાં લોકોને ગરમીથી છુટકારો મળશે.

રાજ્યમાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર 15-16એ આખા ગુજરાતમાં વરસાદી માહોલ  રહેશે. પાટણ, મહેસાણા તેમ જ સાબરકાંઠામાં પણ ભારે વરસાદની પડવાની સંભવના છે. આ સાથે  20 જુલાઈ બાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.