દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થપાશે

કચ્છઃ જાહેર ક્ષેત્રની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) રાજ્યના કચ્છના રણમાં ખાવડામાં 4750 મેગાવોટ (MW) રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપશે. કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી NTPC એનર્જી લિ. દ્વારા આ પ્લાન્ટ સ્થપવામાં આવશે અને કંપનીને એ માટે ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય તરફથી પ્લાન્ટ સ્થાપવા મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો સોલર પાર્ક હશે. NTPC RELની યોજના આ પાર્કમાંથી વ્યાવસાયિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાની છે.

ગ્રીન એનર્જી (ઊર્જા) પોર્ટફોલિયો વૃદ્ધિના ભાગરૂપે ભારતની સૌથી મોટી ઊર્જા સંકલિત કંપની એનટીપીસી લિમિટેડ 2032 સુધીમાં 60 GW રિન્યુએબલ ઊર્જા ક્ષમતાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં રાજ્યની માલિકીની પાવર મેજર પાસે નિર્માણાધીન 70 પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની 18 GWની ક્ષમતા સાથે 66 GWની સ્થાપિત ક્ષમતા છે.

તાજેતરમાં એનટીપીસીએ આંધ્ર પ્રદેશના સિંહાદ્રી થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર ભારતના સૌથી મોટા 10 મેગાવોટ (એસી)ના ફ્લોટિંગ સોલરની પણ શરૂઆત કરી છે. વધારાના 15 મેગાવોટ (એસી) ઓગસ્ટ-2021 સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેલંગાણાના રામગુંદમ થર્મલ પાવર પ્લાન્ટના જળાશય પર 100 મેગાવોટનો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અમલીકરણના અદ્યતન તબક્કામાં છે.

એનટીપીસી આરઈ લિમિટેડે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એલએએચડીસી) સાથે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા અને એફસીઇવી બસોમાં જમાવટ માટે MoU પર હસ્તાક્ષર કર્યા છે.