પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે. ભાવિકો ભક્તિમાં લીન છે. ત્યારે વાત કરીએ અમદાવદના એક પ્રાચીન મહાદેવના મંદિરની.
અમદાવાદ શહેરનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય તરફ વિકાસ થઈ રહ્યો છે. શહેરની મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીને બેય કાંઠે કોતરપુરથી ગ્યાસપુર સુધી અનેક વર્ષો જુના મંદિરોની સ્થાપના થયેલી છે. એમાં એક વિશિષ્ટ મંદિર છે જુના શાહવાડી ગામનું સોમનાથ મહાદેવનું મંદિર.
શહેરની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની છે, એ અંતરિયાળ વિસ્તારમાં નદીને અડીને આવેલા જુના શાહવાડી ગામ પાસે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું હતું. ભુતકાળમાં સાબરમતીના પુરના પ્રકોપથી ગામનું સ્થળાંતર થઈ ગયું. જો કે મંદિર પરિસર ઋષિમુનિઓની સમાધિ સહિત અકબંધ છે.
આસપાસના કેમિકલના કારખાના અન્ય ઉદ્યોગોથી ભરચક વિસ્તારમાં સોમનાથ મહાદેવમાં ગૌશાળા અને યજ્ઞશાળા પણ છે. આ યજ્ઞશાળામાં સતત તમામ પ્રકારની ગ્રહોની વિધિ અને હોમ હવન, પૂજા પાઠ થતા રહે છે. જો કે અહીં લગ્ન જેવા કેટલાક પ્રસંગો પર મનાઈ છે. આ પૌરાણિક મંદિરનું સંચાલન સુએઝ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા કરવામાં આવે છે. શહેરના જુહાપુરા – વિશાલા સર્કલથી સાબરમતીના તુટેલા જર્જરિત પુલ પરથી નારોલ તરફ જતાં માર્ગ પર પસાર થાઓ એટલે એક પાટિયું તમારું ધ્યાન ખેંચે છે ત્યાં છે એક હજાર વર્ષ જુનું સોમનાથ મંદિર.
(પ્રજ્ઞેશ વ્યાસ)