સુરતઃ રાજ્યમાં ફરી એક વાર કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વળી, રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા હતાં. જેથી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ્સ ટ્રેડર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલું કાપડ માર્કેટ શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાપડમાર્કેટ વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં અંદાજે 150 જેટલાં માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેશે.
રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં પણ આજથી જ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશનર અજય તોમર તથા મ્યુ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવશે.
આગામી દિવસોમાં માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લંબાવવો કે કેમ એ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે બપોર 12 વાગ્યા સુધીમાં કોરોના 226 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરત શહેરમાં 182 કેસ, જયારે જિલ્લામાં 44 કેસ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેરમાં જોવા મળે છે. તો સુરતના કોરોના સંક્રમણને પગલે તંત્ર દોડતું થયું છે.
