અમદાવાદઃ રાજ્યમાં ત્રિદિવસીય યોજાયેલા ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને મળેલા અપ્રતિમ સહયોગ અને કાર્યક્રમને મળેલી સફળતાનું શ્રેય જનતાને આપતાં શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે નાગરિકોએ આ કાર્યક્રમમાં દાખવેલો ઉત્સાહ અનેરો હતો. રાજ્યની ૩૦,000થી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ૪૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિત એક કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા અને તેને કારણે જ આ ઉત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બની રહ્યો હતો.
તેમણે ઉમેર્યુ હતું કે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો ૧૦૦ ટકાની ખૂબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.
નઘાતપોર પ્રાથમિક શાળા – નર્મદા ખાતે #ShalaPraveshotsav2022
આદિવાસી સમાજના ભૂલકાંઓ સ્ટેજ ઉપર આવીને બોલતા થયાં તે એક સન્માનજનક અને ગર્વ અપાવનારી બાબત છે. આ કાર્યક્રમથી લોકો પણ શાળા સુધી આવતા થયા છે અને તેથી જ આ ઉત્સવ માત્ર પ્રવોશોત્સવ ન બની જતા તે સાચા અર્થમાં લોકોત્સવ બની ગયો છે. pic.twitter.com/49CSy44HAY
— Jitu Vaghani (@jitu_vaghani) June 25, 2022
તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલામાં ૫.72 લાખ બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે, જેમાં ધોરણ-એકમાં ર,૮૦,૪૭૮ દીકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. એ ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે.
આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલ મંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો. એકમાં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરીને ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
દીકરાઓની સાથે દિકરીઓ પણ ભણે અને કન્યા કેળવણીનું સ્વપ્ન સાચા અર્થમાં ચરિતાર્થ થાય તેમજ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ #શાળા_પ્રવેશોત્સવ અને #કન્યા_કેળવણી રૂપી મહાઅભિયાન હાથ ધરવામાં આવે છે. pic.twitter.com/XClB4CEifd
— Jitu Vaghani (@jitu_vaghani) June 25, 2022
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંડળના સભ્યો, પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાનો તેમણે આભાર માન્યો હતો.