ભાજપની ટીમ ‘આપ’ સરકારના દિલ્હી મોડલની સમીક્ષા કરશે

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય તેમ ચૂંટણીમાં ગરમાટો આવી રહ્યો છે. હવેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ નહીં, આપ પાર્ટી વચ્ચે સીધો ચૂંટણીજંગ જામે એવી શક્યતા છે. કેજરીવાલ સરકાર દિલ્હીના મોડલને શ્રેષ્ઠ ગણાવી રહી છે, ત્યારે ભાજપ સરકારે એ મોડલની ખામીઓને ઉજાગર કરવા એક પ્રદેશ ભાજપની ટીમને દિલ્હી મોકલી છે.

આ પ્રતિનિધિ મંડળ બે દિવસ સુધી દિલ્હીમાં રોકાશે અને કેજરીવાલ સરકારની કામગીરીની સમીક્ષા કરશે અને કેજરીવાલના શિક્ષણ અને મહોલ્લા ક્લિનિકના દાવાની પોલ ખોલશે.

કેજરીવાલની સતત ગુજરાત યાત્રા વચ્ચે ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હીનું નિરીક્ષણ કરવા પહોંચ્યું છે.સામે પક્ષે આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી છે કે પાર્ટી ભાજપની ટીમનું સ્વાગત કરશે અને ભાજપના પ્રતિનિધિમંડળ જે વિસ્તારમાં કહેશે તેમને તે વિસ્તારમાં આ ધારાસભ્યો સાથે રહીને માહિતી આપશે. આ પ્રતિનિધિ મંડળમાં ભાજપની મિડિયા ટીમ, ભૂતપૂર્વ પ્રધાનોઓ અને વિશ્લેષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ બે દિવસ દિલ્હીની સ્કૂલો, મહોલ્લા, ક્લિનિક અને રોડ-રસ્તા બાબતે તાગ મેળવશે.

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે  ભાજપની ટીમ દિલ્હીની સ્કૂલો-મહોલ્લા ક્લીનિક જોવા આવી રહી છે. અમે ગુજરાતની ટીમના સ્વાગત માટે તેમ જ મોહલ્લા ક્લિનિક બતાવવા માટે પાંચ ધારાસભ્યોની ટીમ તૈયાર કરી છે. આ સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે સૌપ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિતના મુદ્દાના રાજકારણમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત.

જોકે ગુજરાત ભાજપના દ્વારા દિલ્હીમાં સ્કૂલના રિયાલિટી ચેક મામલે શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ટીમના સભ્યો ભાજપ મિડિયા સેલના વર્કશોપમાં ભાગ લેવા ગયા છે, સ્કૂલની મુલાકાત લેવા નથી ગયા.