અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત; તમામને બચાવી લેવાયાં

મુંબઈઃ  કેન્દ્ર સરકાર હસ્તકની કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) કંપનીનું સાત મુસાફર અને બે પાઈલટ સાથેનું એક ‘પવનહંસ’ હેલિકોપ્ટર આજે અહીં અરબી સમુદ્રમાં મુંબઈ હાઈ તેલક્ષેત્રમાં ઓએનજીસીની રીગ ‘સાગર કિરણ’ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એને ત્યાં સંકટના સમયનું ઉતરાણ કરવું પડ્યું હતું. તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બપોરે અઢી વાગ્યાના સમાચાર મુજબ તમામ 9 જણને બચાવી લેવામાં આવ્યા હતા. આ જાણકારી કોસ્ટ ગાર્ડે તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. આ દુર્ઘટના મુંબઈ શહેરથી અરબી સમુદ્રમાં 7 દરિયાઈ માઈલ દૂર બની હતી.

બચાવ કામગીરીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો પણ જોડાયા હતા. કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી માટે બે જહાજને ઘટનાસ્થળે પહોંચાડ્યા હતા. તે ઉપરાંત દમણમાંથી એક ડોર્નિયર વિમાનમાંથી એક લાઈફ રેફ્ટ (જીવનરક્ષક રબરની હોડી) ઉતારી હતા. તે ઉપરાંત ઈન્ટરનેશનલ સેફ્ટી નેટ પણ સક્રિય કરવામાં આવી હતી.