આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડની મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્કેટ નિયામક સંસ્થા ‘સેબી’ને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ બોર્ડે જણાવ્યું છે કે તેણે આકાશ અંબાણીને બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. મુકેશ અંબાણીએ ગઈ 27 જૂનની અસરથી આ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. એ દિવસે કંપનીના બોર્ડની મીટિંગ યોજવામાં આવી હતી.

કંપનીએ જણાવ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશને ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. મુકેશભાઈ અગાઉ કહી ચૂક્યા છે કે નવી પેઢીની કામ કરવાની રીત અલગ હોય છે અને એમને તક આપવી જોઈએ.

  • આકાશ રિલાયન્સ ગ્રુપની ડિજિટલ સેવાઓ તથા ગ્રાહક રીટેલ પ્રસ્તાવ દ્વારા તૈયાર કરાયેલા વિઘટનકારી અને સર્વસમાવેશક વિકાસ પથ સાથે નિકટતાથી સંકળાયેલા છે.
  • મુકેશ અંબાણી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ચેરમેન પદે ચાલુ રહેશે. આ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ સહિત તમામ જિયો ડિજિટલ સેવા બ્રાન્ડ્સની માલિકી ધરાવતી પ્રમુખ કંપની છે.
  • આકાશે ડિજિટલ ઈકોસિસ્ટમના નિર્માણમાં મહત્ત્વની કામગીરી બજાવી છે. 2017માં જિયોફોનના નિર્માણ અને લોન્ચિંગ વખતે એન્જિનીયરોની ટીમ સાથે તેઓ નિકટથી સંકળાયેલા રહ્યા હતા.
  • ભારતનું ઉચ્ચતમ ડિજિટલ સમુદાયમાં ઘડતર કરવા માટે આકાશ જિયોના પ્રયાસોને ચાલુ રાખશે.
  • પંકજ મોહન પવારને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે જ્યારે કે.વી. ચૌધરી અને રમિન્દરસિંહ ગુજરાલને પાંચ વર્ષના સમયગાળા માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • આકાશ અંબાણી બ્રાઉન યૂનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા છે અને રિલાયન્સ જિયોમાં ખાસ્સા એવા સમયથી કામ કરી રહ્યા છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]