‘હર ઘર તિરંગા’ 3.0 અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ

દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રીય પ્રેમની લાગણી જાગૃત કરવાના ઉદ્દેશથી હર ઘર તિરંગા અભિયાન તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ,  કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘હર ઘર તિરંગા’ ૩.0 અભિયાનમાં પોસ્ટ વિભાગ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, તમામ પોસ્ટ ઓફિસોમાં તિરંગા ધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ ધ્વજ ૨૦ x ૩૦ ઇંચ છે જે જાહેર જનતા રૂ.૨૫/-માં ખરીદી શકે છે અને પોતાના ઘરો પર  લગાવી શકે છે. વધુમાં, 13 ઓગસ્ટ સુધી ઇ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ઘરે પણ મંગાવી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, પોસ્ટ વિભાગ વિવિધ સ્કૂલો/કોલેજો, હોસ્પિટલ, પોલીસ લાઇન, પીએસી, સૈન્ય દફતર, કોર્ટ, તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કાર્યાલય અને વાણિજ્યિક સંસ્થાઓ સાથે સંપર્ક કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જનસહભાગિતાની ખાતરી કરશે. પોસ્ટલ કર્મચારીઓ તેમના પરિવારજનો અને આસપાસના લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા અને તિરંગા ફરકાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.