ગુજરાતમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટેક્સ-ફ્રી

અમદાવાદઃ હરિયાણા અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ ગયા શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને કરમુક્ત જાહેર કરી છે. આ ફિલ્મને ગુજરાતમાં મનોરંજન વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. આની જાણ આજે મુખ્ય પ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે.

1990ના દાયકામાં તે વખતના જમ્મુ-કશ્મીર રાજ્યના કશ્મીર ભાગમાં ઈસ્લામી કટ્ટરવાદીઓએ કશ્મીરી હિન્દુ પંડિતો પર કરેલા પાશવી, ક્રૂરતાભર્યા અત્યાચારોને કારણે પંડિતોને કશ્મીરમાંથી હિજરત કરી જવી પડી હતી. પાકિસ્તાનના સમર્થનવાળા ત્રાસવાદીઓએ કશ્મીરમાંથી હિન્દુ-પંડિત સમાજનાં લોકોને હાંકી કાઢવા પુરુષોની આયોજનપૂર્વક હત્યાઓ કરી હતી અને હિન્દુ મહિલાઓ પર બળાત્કાર ગૂજાર્યો હતો. એ ઘટનાઓ પર ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મે પ્રકાશ પાડ્યો છે. વિવેક રંજન અગ્નિહોત્રી દિગ્દર્શિત અને અભિષેક અગ્રવાલ તથા પલ્લવી જોશી નિર્મિત આ ફિલ્મમાં  અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.