ગૃહપ્રધાન ત્રણ ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવશે

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહે ઝાંઝરકાથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા ઝાંઝરકાના સંત સવૈયાનાથજીથી સોમનાથ મંદિર સુધી યોજવામાં આવશે. તેઓ આજે બીજી બે યાત્રા ઉનાઈ માતા મંદિર, નવસારીથી અંબાજી અને ઉનાઈ માતાના મંદિરેથી ફાગવેલ પ્રસ્થાન કરાવશે. તેઓ નવસારી જિલ્લામાં ઉનાઈ માતાના મંદિરમાં પૂજા-અર્ચના કરશે, નવસારી જિલ્લામાં તેઓ ગૌરવ યાત્રા અને આદિવાસી વિકાસ યાત્રાનો પણ શુભારંભ કરાવશે.

ગૃહપ્રધાને ભાજપની ગૌરવ યાત્રાના પ્રસ્થાનના સમયે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના વિઝનથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. રાજ્યની જનતાએ ભાજપ પર હંમેશાં ભરોસો કર્યો છે. ગુજરાતમાં ભાજપની ફરીથી સરકાર બનવાની છે તેના ભરોસાની આ યાત્રા છે.

આ પ્રસંગે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ગૃહપ્રધાન અમિત શાહ કાર્યકર્તાઓની હંમેશાં ચિંતા કરે છે. હું સંત સવૈયાનાથજીનાં ચરણોમાં માથું ઝુકાવીને ધન્યતા અનુભવું છું. વડા પ્રધાન મોદીના અથાગ પ્રયત્નોથી ગુજરાત આજે આટલી ઊંચાઈએ પહોંચ્યું છે.

ગુજરાતની ગૌરવ યાત્રામાં ભાજપે ત્રણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવ યાત્રા કુલ 13 જિલ્લાઓની 35 વિધાનસભા બેઠકને આવરી લેશે. જ્યાં મોટા ભાગના આદિવાસી વિસ્તારો પણ હશે. જેમાં ભાજપની નજર આદિવાસી મતોને અંકે  કરવા પર છે. ગૃહપ્રધાનની આ ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.