સરકારે રાજ્યનાં ધાર્મિક સ્થળો માટે ગાઇડલાઇન્સ બહાર પાડી  

અમદાવાદઃ દેશભરમાં લોકડાઉન પછી હવે અનલોક-1 લાગુ કરવામાં આવ્યું છે, જે મુજબ રાજ્યમાં ધાર્મિક સ્થળો, મોલ્સ અને હોટેલ્સ પણ સોમવારથી ધમધમવાં લાગશે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં મંદિરો, મસ્જિદ, ચર્ચ, દેરાસર, ગુરુદ્વારા અને ઉપાશ્રય સહિતનાં ધર્મસ્થાનકોને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તેમ જ કેટલાક નિયમોને આધીન રહીને દર્શનાર્થીઓ માટે આઠમી જૂનથી ફરી ખુલ્લાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

રાજ્ય સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવા ખાતરી

આ બેઠકમાં  નાયબ મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મ સંપ્રદાયોના સંતો-મહંતો, મૌલવી અને પાદરી-ફાધર સહિતના ધાર્મિક અગ્રણીઓનાં મંતવ્યો-સૂચનો પણ મેળવ્યાં હતાં અને સૌ ધર્મસંપ્રદાય વડાઓ-સંતો-મહંતો, પાદરીઓએ અને મૌલાનાઓએ સરકારની ગાઇડલાઇન અનુસરવા ખાતરી આપી હતી.

કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોનાં દેવસ્થાનો ખોલાશે

આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે  કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ તથા રાજ્ય સરકારની કેટલીક જોગવાઈઓને આધીન રહીને કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોનાં દેવસ્થાનોમાં માત્ર દર્શનની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે તેના પરિણામે દર્શનાર્થીઓની ભીડભાડથી કોરોના સંક્રમણનો વ્યાપ વધે નહિ તેની તકેદારી મંદિર-ધર્મ સ્થાનકોના સંચાલકો, ટ્રસ્ટોએ અને શ્રદ્ધાળુઓએ રાખવી જરૂરી છે. 

મોટાં તીર્થયાત્રા સ્થાનોમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર

તેમણે જણાવ્યું હતું કે રાજ્યનાં મોટાં તીર્થયાત્રા સ્થાનોમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરીને યાત્રાળુઓને દર્શન માટેના નિશ્ચિત સમયના ટોકન આપી ફાળવેલી સમય પ્રમાણે જ દર્શનનો લાભ આપવાની વ્યવસ્થા ગોઠવાય તો ગિરદી થતી અટકાવી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પણ જળવાશે.

સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન જરૂરી

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે  રાજ્યનાં દેવસ્થાનો-શ્રદ્ધા આસ્થા કેન્દ્રો માત્ર દર્શનના હેતુસર પુન: ખોલવામાં આવી રહ્યાં છે.તેમણે ઉમેર્યુ કે જે સંસ્થાઓ-સંપ્રદાયોનાં મંદિરો, દેરાસરો, ઉપાશ્રયો રાજ્યમાં મોટી સંખ્યામાં છે ત્યાં દર્શન વગેરેમાં એકસૂત્રતા જળવાય અને સાથોસાથ ગાઇડલાઇન્સના નિયમોનું પાલન થાય એ માટે આવી સંસ્થાઓ સ્વયં વ્યવસ્થાઓ બનાવે અને આ હેતુસર સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન પણ તેમણે કરવાનું રહેશે. તેમણે આ ધર્મના વડાઓને  મોટા ધાર્મિક મેળાવડા કે ઉત્સવો કોરોના સંક્રમણની સ્થિતિમાં હજી પણ એક-બે માસ નહીં યોજવાની અપીલ કરી હતી.

 

ધર્મ સ્થાનકોમાં ગુજરાત સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે અનુરોધ

  • દર્શનાર્થીઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવા
  • પ્રસાદ કે પવિત્ર જલ વિતરણ-છંટકાવ ન કરવા
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા
  • દરેક દર્શનાર્થી માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો
  • મંદિરમાં સેનેટાઇઝની વ્યવસ્થા કરવા
  • ૬પ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોને સાથે નહીં રાખવા
  • મોટા ધર્મસ્થાનકો-યાત્રાધામોમાં યાત્રિકોને ટોકન વિતરણ કરવા અનુરોધ

 

મુખ્ય પ્રધાન સાથેની આ વિડિયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ BAPSના સ્વામી બ્રહ્મવિહારીજી, અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ જ્હા, કાળુપુર મંદિરના સ્વામી શાસ્ત્રી નિરગુણદાસજી, ખેડાના વડતાલના સ્વામી શ્રી સંત સ્વામી સહિતના વધા ધર્મના વડાઓએ કેટલાંક સૂચનો કર્યાં હતાં અને સાથે આ સૌએ કેન્દ્ર-રાજ્ય સરાકરની ગાઇડલાઇનના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી.  

મુખ્યપ્રધાને ગૃહ વિભાગને રાજ્યમાં દેવસ્થાનો શ્રદ્ધા કેન્દ્રો, મંદિર-મસ્જિદ, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પુન: ખોલવા અંગેની વિસ્તૃત SOP તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે પણ આ બેઠકમાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્ર સુધીના નાનાં તીર્થસ્થાનો, મંદિરો માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]