અમદાવાદઃ કોરોના રોગચાળાને કારણે ગુજરાત રાજ્યમાં દિવાળી સુધી શાળાઓ ફરી ખોલવામાં નહીં આવે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે સાત મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે, પરંતુ મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે, એમ સૂત્રોએ કહ્યું હતું.નિષ્ણાતોના મત મુજબ શિયાળામાં કોવિડ-19નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને એ પછી જ કોઈ ચોક્કસ નિર્ણય લેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત જાણશે, એ પછી કોઈ શાળા ખોલવા અંગે વિચારીને નિર્ણય કરશે.
ગઈ 16 માર્ચથી શાળાઓ બંધ છે
રાજ્યમાં કોરોના રોગચાળાને કારણે 16 માર્ચથી તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જોકે એ પછી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય જ ચાલી રહ્યું છે.
સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માગ
સરકાર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે જેતે સમયે કોવિડની સ્થિતિ જોયા બાદ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ ખોલવાથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધવાના ભયના કારણે સરકાર હાલ કોઈ પણ નિર્ણય લેવા તૈયાર નથી તો બીજી તરફ સંચાલકો દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની માગ કરી રહ્યા છે.