કોરોનાને કારણે વાજિંત્ર બજારનો આર્થિક તાલ તૂટી ગયો

અમદાવાદઃ નવરાત્રિ મહોત્સવમાં રાસગરબે રમતા રસિયાઓને ઢોલ, તબલાં જેવાં વાજિંત્રો વાગે એટલે તાનમાં આવી ઝૂમી ઊઠે, પણ આ વર્ષે કોરોનાના કારણે ગરબા રમવા પર પાબંધી છે. જેના કારણે ઢોલ- નગારાં, તબલાં  તૈયાર કરતા અને વેચાણ કરતાં બજારમાં મંદી જોવા મળી રહી છે.

શહેરના સ્વામિનારાયણ મંદિર દરિયાપુર તંબુ ચોકી તરફ જતા માર્ગ પર ડબગરવાડ આવેલો છે. આ ડબગરવાડમાં વર્ષોથી ઢોલ-નગારા-તબલાં જેવાં અનેક વાજિંત્રો બનાવતા અને વેચાણ કરતા પરિવારો વસે છે. તહેવાર, ઉત્સવો અને પ્રસંગોની સીઝનમાં નવાં વાજિંત્રો ખરીદવા અને જૂના વાજિંત્રોનું સમારકામ કરાવવા આ વિસ્તારમાં ભારે ભીડ લાગે છે, પરંતુ  2020ના તહેવાર-પ્રસંગો ફિક્કા રહ્યા છે અને નવરાત્રિ જેવા ઉત્સવ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી ડબગરવાડનું બજાર સૂનું થઈ ગયું છે.

પહેલાં લોકો નવરાત્રિ એકદમ નજીક આવે એ સમયગાળામાં ઢોલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી ગયાં હોય તો એનું સમારકામ કરાવવા ગામેગામ થી આવતા હતા. ગરબા મંડળો  માટે નવાં ઢોલ-નગારા અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની દર વર્ષે ધૂમ ખરીદી થતી હતી. 2020નું વર્ષ વેપારીઓ માટે નુકસાનકર્તા રહ્યું છે.

ડબગરવાડમાં પેઢીઓથી રહેતા ડબગર પરિવારો કહે છે, નવરાત્રિ મહોત્સવમાં આરતીની જ પરવાનગી હોવાથી વાજિંત્રોના ઓટોમેટિક મશીનની ઇન્કવાયરી અને વેચાણ થઈ રહ્યું છે. ઢોલ-નગારાં, તબલાંની ખરીદી  સમારકામ માટે હાલ નિયમિત આવતા ભજનિકો , ડાયરાવાળા અને સ્ટેજ કલાકારો જ બજારમાં આવે છે. આ વર્ષે નવરાત્રિ મહોત્સવનો વેપાર સાવ નહિવત્ છે, એટલે આર્થિક તાલ તૂટી ગયો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)