69મો ફિલ્મફેર એવોર્ડ ગિફ્ટ સિટીમાં યોજાશે

 અમદાવાદઃ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ગ્લેમરસ અને સૌથી જૂના ફિલ્મ એવોર્ડમાંનો એક ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ 28 જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાશે. બોલીવૂડના ખ્યાતનામ કલાકારોનું ગુજરાતના ગિફ્ટ સિટીમાં આગમન થશે. આ પહેલાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું, પરંતુ હવે દારૂબંધીમાંથી મુક્તિ આપ્યા બાદ એવોર્ડનું આયોજન ગિફ્ટ સિટીમાં થવાની શક્યતા છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડના આયોજનથી દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે. ગિફ્ટ સિટીમાં બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે. હજુ મોટા ભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે. રાજ્યમાં પ્રથમ વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે  ઉદ્યોગ-વ્યાપાર માટે દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બનેલું ગુજરાત હવે ‘બેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ’ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમ જ ગુજરાતની ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકેની છાપ મજબૂત થશે. ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ સમજૂતી કરાર મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.