રેલવે સ્ટેશન પર વાંચવા મળશે વિવેકાનંદના જીવનને સાંકળી લેતા પુસ્તકો

સુરત: સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતિના પ્રસંગે બીજેપી સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત સહિત નવસારી જિલ્લાના અલગ-અલગ રેલવે સ્ટેશનો પર ‘પુસ્તક પરબ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઠથી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને આ ‘પુસ્તક પરબ’ના માધ્યમથી સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર આધારિત પુસ્તકો નિઃશુલ્ક વાંચવાનો લ્હાવો મળશે.

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર આયોજીત ‘પુસ્તક પરબ’ કાર્યક્રમ અંતર્ગત સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષ્યમાં દેશના નાગરિકો સ્વામી વિવેકાનંદના સંદર્ભે મહત્તમ જ્ઞાન મેળવે તે આશય સાથે સુરત, ઉધના, ભેસ્તાન, સચીન, મરોલી, નવસારી, અમલસાડ અને બિલીમોરા સહિતના રેલવે સ્ટેશનો પર પુસ્તક પરબના નામે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

અંતર્ગત સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સાંસદ સી આર પાટીલ જ્યારે નવસારી – બિલીમોરા રેલવે સ્ટેશન પર ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જેમાં મુસાફરો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકો તેમના અનુકુળ સમયે વાંચીને પુસ્તક પરબ ખાતે જ પરત કરવાની રહેશે. આ પ્રયાસનો એક માત્ર ઉદ્દેશ્ય મહત્તમ નાગરિકો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને તેમના સામર્થ્યથી રૂબરૂ થાય એટલો માત્ર છે.  પુસ્તક પરબમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત 100થી વધુ પુસ્તક-પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.