પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરથી સુજલામ સુફલામ જળ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ

સુરેન્દ્રનગર- પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરથી આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ ક્રાંતિની આ ઝૂંબેશ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે અને ખેતી માટે તેમજ પીવા માટે પાણી સરળતાથી મળી રહેશે.

આ વર્ષે સમગ્ર રાજ્યમાં આ જળ ઝૂંબેશ લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રૂપાણીએ કહ્યું કે, આ ઝૂંબેશથી ગુજરાત સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે.

સુજલામ સુફલામ જળ ઝૂંબેશની મુખ્ય વિશેષતાઓ:

સમગ્ર રાજ્યમાં કુલ આશરે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦૦૯ લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન, જેનાથી આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે ૩૫૨૪ તળાવો/ચેકડેમો/જળાશયો ઉંડા ઉતારવા/ ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે  માટી/મુરમના ખોદાણના ભાવ રૂ. ૩૦=૦૦ પ્રતિ ઘનમીટર નક્કી કરવામાં આવેલ છે. જેમાંથી ૬૦% રકમ સરકારશ્રી તથા ૪૦% રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ/દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

મનરેગા યોજના હેઠળ ૪૨૩૮ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે. રાજ્યમાં આશરે ૧૮૪ નવા તળાવો બનાવવાનુ આયોજન છે.

અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે ૭/૧૨માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના ૨૨૦ કામો તથા ચેકડેમ મરામતના ૧૧૦૪ કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન

નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે ૧૭૦૦ કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ ૭૪૦ કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી

શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં  રેઇન વૉટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્ટીંગ વગેરે મળીને કુલ ૬૫૧ કામો હાથ ધરવાનુ આયોજન છે.

પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે. સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હલ થશે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે. ખેત ઉત્પાદનમાં વધારો થશે, ઉપરાંત પર્યાવરણમાં સુધારો થશે તેમજ પાણીનો બગાડ મહદઅંશે ઘટશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]