ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ તરફથી કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મિડિયાને સંબોધતાં શિક્ષણપ્રધાને જાહેરાત કરી હતી કે સરકારે ધોરણ-9-12 સુધીના ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. જોકે તેમણે પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જોકે અન્ય ધોરણના ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે નહીં. શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે જે એસઓપી લાગુ કરવામાં આવી હતી તે જ ધોરણ 9-11ના વિદ્યાર્થીઓને લાગુ પડશે. ધોરણ નવથી ધોરણ 12ના ટ્યુશન ક્લાસ ચાલુ કરી શકાશે. ટ્યુશન સંચાલકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
તેમણે જણાવ્યું હતું કે જે સમરસ હોસ્ટેલોને કોવિડ માટે ખાલી કરવામાં આવી હતી એને ફરી શરૂ કરવા મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ આપશે, એ પછી નિર્ણય લેવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોવાથી ચકાસણી બાદ હોસ્ટેલો શરૂ કરવામાં આવશે. આ પહેલાં રાજ્યમાં 11 જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ 10-12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. આ માટે આઠમી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે.