SITની કડક કાર્યવાહી, IPS IAS પર SITની નજર

રાજકોટ અગ્નિકાંડને આજે ચાર દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અગ્નિકાંડમાં 28 લોકોને મૃત્યુ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે 28 લોકોના DNA ટેસ્ટ મેચ થયા છે. જ્યારે 25 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને​ સોંપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મૃતદેહના DNA મેચ કરવાના બાકી છે.

આ બાજું SITની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં સવા કલાક SITની બેઠક મળી હતી. આ બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે કે ‘અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા, રાજય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે. અને તપાસમાં ઘણો સમય માગી લે એમ છે. પરંતુ દેશમા કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે.’

કેમ ફેરવવામાં આવ્યું બુલડોઝર

રાજકોટ અગ્નિકાંડમાં SIT વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે ‘અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.’ બુલડોઝરની વાત કરતા નિવેદન આપ્યું કે ‘ જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું. બુલડોઝર ફેરવવાનો આશય ગેમ ઝોન તોડીને નાશ કરવાનો બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી DNAના આધારે એફએસએલ દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશયથી કરવામાં આવ્યુ છે.’

અગ્નિકાંડ પાંચ આરોપી પોલીસની ઝડપમાં

લાક્ષા ગ્રહ સમાન TRP ગેમ ઝોનના અન્ય ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) પાર્થતાજસિંહ ગોહિલે માહિતી આપી હતી કે, ગેમ ઝોન ચલાવતા રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર કિરીટસિંહ જાડેજાની મંગળવારે રાજકોટ-કાલાવડ રોડ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી?

  1. યુવરાજસિંહ સોલંકી
  2. ધવલ ઠક્કર
  3. રાહુલ રાઠોડ
  4. કિરીટસિંહ જાડેજા
  5. નીતિન જૈન