મુંબઈઃ મુંબઈને એક સેશન કોર્ટે ગુજરાતમાં 2002ના બેસ્ટ બેકરી ભીડ હુમલા મામલે બે આરોપીઓને છોડી મૂક્યા હતા. બેસ્ટ બેકરી ભીડના હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા. એડિશનલ સેશન જજ એમ. જી. દેશપાંડે અને હર્ષદ સોલંકી અને મફત ગોહિલને બધા આરોપોમાં મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી મામલામાં પહેલા તબક્કાની સુનાવણીમાં મુંબઈની સેશન કોર્ટે ફેબ્રુઆરી,2006માં 17 લોકોમાંથી નવ જણને દોષી કરાર આપ્યા હતા. બોમ્બે હાઇકોર્ટે વર્ષ 2012માં એ દોષીઓમાંથી પાંચને પુરાવાને અભાવે છોડી મૂક્યા હતા, પણ ચાર આરોપીઓને દોષી યથાવત્ રાખ્યા હતા. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી.
સ્થાનિક કોર્ટે વર્ષ 2003માં મામલાની સુનાવણી પછી 19 લોકોને છોડી મૂક્યા હતા. જોકે પીડિતામાંથી એક ઝહિરા શેખે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી અને માગ કરી હતી કે આ કેસ ગુજરાતમાં નહીં, પરંતુ અન્ય રાજ્યમાં ચલાવવામાં આવે. તે પછી, 12 એપ્રિલ, 2004એ સુપ્રીમ કોર્ટે કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો અને કેસને નવેસરથી ચલાવવાનો આદેશ આપ્યો હતો.
કેસ શો હતો?
રાજ્યમાં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં વડોદરામાં એક માર્ચ, 2002એ રાત્રે 8 વાગ્યે શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં વડોદરા શહેર પોલીસે કેસની સાક્ષી અને બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખની ફરિયાદના આધારે FIR નોંધી હતી. બેસ્ટ બેકરી કેસમાં શરૂઆતમાં કુલ 21 આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેતરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પૂરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ ચુકાદો આજે આવ્યો છે.