અમદાવાદઃ મહિલાઓને સમાન અધિકાર આપવા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા દર વર્ષે આઠ માર્ચે વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઊજવવામાં આવે છે. વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ‘સશક્ત ભવિષ્ય માટે જાતિગત સમાનતા’ થીમ અંતર્ગત થઈ રહી છે.
કોઈ પણ દેશનો મજબૂત વિકાસ દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓની સમાન ભાગીદારીથી શક્ય બને છે. સીમિત દીવાલોથી લઈને અસીમિત અવકાશ વિજ્ઞાન સુધી તમામ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતાઓ પુરવાર કરી રહી છે ત્યારે તેમના પ્રયત્નોને બિરદાવવા અને સશક્ત ભવિષ્ય માટે જાતિગત સમાનતા અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી ગુજરાત સાયન્સ સિટીમાં 8 માર્ચ, 2022એ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત સાયન્સ સિટીમાં મહિલા દિનની ઉજવણી નિમિત્તે પ્રવર્તમાન થીમ અંતર્ગત આયોજિત સેમિનારમાં મહિલા વૈજ્ઞાનિક અને સ્કિનોટેકનાં સ્થાપક ડો. મેઘા ભટ્ટ સેશનમાં આ વિષય પર ચર્ચા કરશે. સાયન્સ સિટી દ્વારા મહિલા દિવસે વિવિધ હેંડ્સ ઓન એક્ટિવિટીઝ, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સિટીમાં મહિલા દિનની ઉજવણીમાં આરોગ્ય સેવા 108નાં મહિલા કર્મચારીઓ તથા માણેકબા સ્કૂલની વિદ્યાર્થિનીઓ પણ જોડાશે.
ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એચ. સી. મોદી, સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત સાયન્સ સિટીમાં ઊજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં જોડાવવા સૌને આમંત્રણ છે.