‘વન ગુજરાત, વન ડાયાલિસિસ’ પ્રોગ્રામ દર્દીઓ માટે આશીર્વાદરૂપ

 અમદાવાદઃ અમદાવાદસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ ડાયાલિસિસના હજારો દર્દીઓને મોટી રાહત આપતા સોમવારે રાજ્યમાં ક્યાંય પણ અને કોઈને પણ નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવા માટે અખિલ ગુજરાત સંકલિત નેટવર્ક ‘વન ગુજરાત, વન ડાયાલિસિસ’ યોજનાનું અનાવરણ કર્યું હતું.

આ યોજના હેઠળ દરેક દર્દી ગુજરાતભરમાં ફેલાયેલા 79 GDP સેન્ટર્સમાંથી કોઈ પણ સ્થળે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સુવિધાનો ઉપયોગ કરી શકે છે અને સતત એક જ સ્થાને ડાયાલિસિસ કરાવવા માટેના સ્થાનિક અવરોધોને દૂર કરી શકશે. એક વાર દર્દીની રાજ્યના કોઈપણ GDP સેન્ટર્સમાં નોંધણી થઈ ગયા પછી મેડિકલ હિસ્ટરી અને ડાયાલિસિસ ટાઇમલાઇન અન્ય કોઈ પણ GDP સેન્ટર્સ પર ઓનલાઇન એક્સેસ કરી શકાય છે.

ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દરેક દર્દીને સુવિધા પૂરી પાડવાની સાથે “વન ગુજરાત-વન ડાયાલિસિસ’ રાજ્યના કોઈ પણ GDP સેન્ટર્સ પર ડાયાલિસિસ કરાવવાની પસંદગીની સ્વતંત્રતા આપે છે.”- તેમ IKDRC -ITSના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ સોમવારે વિશ્વ કિડની દિવસ 2022 પ્રસંગે જણાવ્યું હતું.

IKDRCએ ડાયાલિસિસ વિના ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સેવા આપવા માટે દરેક જિલ્લા માટે 33 મોબાઇલ ડાયાલિસિસ વાનનો વિશાળ કાફલો ઉમેરવાની તેની યોજના પણ તૈયાર કરી છે. જો વેન્ટિલેટરી સપોર્ટ પર દર્દીઓને એડવાન્સ પ્રોસીજર માટે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે અંદાજિત મૃત્યુ દર 20 ટકાનો હોય છે, પરંતુ હવેથી મોબાઇલ ડાયાલિસિસ વાન દ્વારા કોઈ પણ દાખલ દર્દીઓને સ્થળ પર જ ડાયાલિસિસની સુવિધા આપશે, તેમણે જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં 50 દરિયાકાંઠાનાં સેન્ટર્સનો ઉમેરો થશે. IKDRC દ્વારા સંચાલિત 500 મશીનોથી સજ્જ GDP સેન્ટર્સ દર મહિને અંદાજે 30,000 ડાયાલિસિસ કરે છે. ફેરફેક્સ ઇન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) હેઠળ દેશભરમાં ડાયાલિસિસની પહોંચ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ICICI ફાઉન્ડેશન તરફથી ઉદાર દાન દ્વારા 27 કેન્દ્રો પર 96 ડાયાલિસિસ મશીનો ઓફર કરીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામને તેનો ટેકો આપ્યો છે.