અમદાવાદઃ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃત એકેડેમી, સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ફેસ્ટિવલ 21 અને 22 ડિસેમ્બરેનું આયોજન દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ શિવાનંદ આશ્રમ-અમદાવાદ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે.
આ ફેસ્ટિવેલના પ્રથમ દિવસે સ્વામી નિખિલેશ્વારનંદજી મહારાજ (અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ), ડો. હર્ષદ પટેલ (કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ) રવીન્દ્ર ખતાળે (કમિશનર –AMC) પ્રવચનો આપશે, જ્યારે ચોથા અંતિમ સત્રમાં સંસ્કૃત સંગીતોત્સવમાં આકાશ જોષી, શ્રીમતી નમ્રતા શોધન તથા ડો. ધૈર્યા માંકડ દ્વારા સંસ્કૃ સ્તોત્રો તથા ઉત્તમ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ ફેસ્ટિવેલમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને એનો સમય બપોરના એક વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો છે.
આ ફેસ્ટિવલના બીજા દિવસે ડો. હિમાંશુ જોષી (વૈદ્ય, શતાયુ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ તથા સંશોધન કેન્દ્ર-પાટણ), ડો. અવનિ જોષી (વૈદ્ય, શતાયુ વૈદિક ગર્ભસંસ્કાર તથા સંશોધન કેન્દ્ર-પાટણ) અને લેખક, ગીતકાર અને અભિનેતા મહારુદ્ધ શર્મા સંસ્કૃત શોર્ટ ફિલ્મ પર વાર્તાલાપ કરશે.
ડો. નારાયણ દત્ત મિશ્રા (સંસ્કૃત પત્રકાર), ડો. મહેશ ચંપકલાલ (પ્રોફેસર- ડ્રામા વિભાગ, MS યુનિવર્સિટી-વડોદરા) ભાર્ગવ ઠક્કર (સંસ્કૃત રંગકર્મીના ભૂતપૂર્વ વિદ્યાર્થી- દિલ્હીના રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય) બાળકો માટે સંસ્કૃત દ્વારા અમૂલ્ય શિક્ષણ પર પ્રવચનો આપશે.
આ બે દિવસના વિવિધતાથી ભરપૂર જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા આયોજકો તરફથી સૌ નગરજનોને ભાવભીનું આમંત્રણ છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયત્નો એકલવ્ય સંસ્કૃત એકેડમી અને સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયા કરે છે.