જખૌઃ રાજ્યમાં ડ્રગ્સની માફિયાખોરી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના દરિયાકાંઠેથી પાકિસ્તાની માછીમારી બોટમાં 77 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, આ બોટમાંથી છ ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. આ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. 400 કરોડ છે. ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રાજ્યના ડિફેન્સ જનસંપર્ક અધિકારી (PRO) એ ટ્વિટ કર્યું હતું કે રાજ્ય ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારી બોટ ‘અલ હુસૈની’ને પકડીને બોટના છ ક્રૂ સભ્યોની ધરપકડ કરી છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ટીમે આશરે 400 કરોડ રૂપિયાની કિંમતનું 77 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. આ બોટને વધુ તપાસ માટે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌના દરિયાકાંઠે લાવવામાં આવી છે.
https://twitter.com/DefencePRO_Guj/status/1472737608325238784
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખસોની પૂછપરછ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાંઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજ્યના દરિયાકાંઠેથી જાન્યુઆરી, 2021માં 30 કિલો, એપ્રિલ, 2021માં 30 કિલો, સપ્ટેમ્બર, 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર, 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ રૂ. 30,000 કરોડનું ડ્રગ્સ પકડયું છે.