‘બિપરજોય’ને પગલે 8000 લોકો, બે લાખ પ્રાણીઓનું સ્થળાંતર

નવી દિલ્હીઃ વાવાઝોડું ‘બિપરજોય’ 15 જૂને ગુજરાતના તટે લેન્ડફોલ થશે. હવે આ વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગૃહપ્રધાન અમિત શાહે વાવાઝોડાને ધ્યાનમાં રાખતાં ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં અધિકારીઓ સિવાય રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને આઠ અસરગ્રસ્ત લોકસભા ક્ષેત્રોના સાંસદ પણ સામેલ થશે. વડા પ્રધાને પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલથી ફોન પર વાત કરી હતી અને સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. તેમણે રાજ્યને દરેક સંભવ મદદનો વિશ્વાસ આપ્યો હતો.

રાહત-બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીઓએ આશરે 8000 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. આ સાથે બે લાખ પ્રાણીઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે.  પણ આ સાથે 31 ગામોમાં આશરે 3000 લોકોને દ્વારકામાં આશરે 1500 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લામાં તટથી 10 કિલોમીટરના અંતરે રહેલાં ગામોમાંથી લોકોને સલામત સ્થળે લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બિપરજોય બહુ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડાને પગલે 150 કિમી ઝડપે પવન ફૂંકાશે. સેના, નૌસેના અને ભારતીય તટરક્ષકોને અલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થવાનો અંદાજ છે, બીજી બાજુ, વેરાવળ અને સુત્રાપાડામાં  24 કલાકમાં સાડાઆઠ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં ત્રણ ઇંચ અને ઉપલેટામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.