અમદાવાદઃ ઉત્તમ પુસ્તકોના વાચનથી ‘નવા યુગ’નો પ્રારંભ થાય છે અને દેશની આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીના જીવનમાં પણ એક પુસ્તક દ્વારા જ પરિવર્તન આવ્યું હતું. વળી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા પ્રચલિત પુસ્તક ‘જેલ ઓફિસની બારી’ લોકોના માનસપટલ ઉપર એક અલગ છાપ કંડારેલી જ છે. એ ઉપરાંત સાબરમતી જેલવાસ દરમ્યાન કાકાસાહેબ કાલેલકર ‘ઓતરાતી દીવાલો’ જેવા પુસ્તકે ઘણી લોકચાહના મેળવી છે.
જેલ વિભાગ તરફથી જેલોના વડા અને અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. રાવના નેતૃત્વ હેઠળ પ્રકાશિત પુસ્તક ‘જેલ-ઇતિહાસ અને વર્તમાન’ વાચકો માટે ખૂબ રસપ્રદ બની રહેશે. આ પુસ્તકનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનો મુખ્ય અંશ રાજ્યની જેલો અને એની આગવી વિશિષ્ટતાઓને ખૂબ સુંદર રીતે ઉજાગર કરે છે.
જેલોના વડા ડો. કે. એલ. રાવ તરફથી અને તેમના પરામર્શ હેઠળ જેલોનું વિશેનું દસ્તાવેજીકરણ કાર્ય પહેલવહેલું છે, જે ભવિષ્યમાં અભ્યાસુઓ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક દ્વારા અનેક લોકોના જીવન બદલાયું હોવાના પ્રસંગો જોવા મળ્યા છે. જેલના કેદીઓમાં શિક્ષણની સુવિધા સાથે વ્યાવહારિક જ્ઞાન પણ આવશ્યક છે અને આ પુસ્તક તેમને નવી ઊંચાઈઓ સિદ્ધ કરાવી શકે છે. આ પુસ્તકમાં 45 જેટલા વિષયોને અને 144 પાનાંમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં રાજ્યની જેલોનો ઇતિહાસ, વિવિધ પ્રકારની જેલ, સમાજની જેલની વ્યવસ્થા, કેદીઓના પ્રકાર, જેલનું અર્થશાસ્ત્ર, જેલ સુધારાની સમીક્ષા, સાબરમતી જેલમાં સરદાર, જેલ ભજિયાં હાઉસ-બંદિવાનોને આપશે નવી ઓળખ, ગુજરાતની પ્રથમ પ્રિઝન એકેડેમી, જેલ મેન્યુઅલઃ સુધારાત્મક દિશામાં હવે થઈ રહ્યું છે કાર્ય અને જેલ સ્થાપત્યોનું નવીનીકરણ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
જેલોના વડા ડો. કે. એલ. રાવના ભગીરથ કાર્યથી તૈયાર થયેલા જેલ પુસ્તકનું પ્રકાશન પ્રશંસનીય છે, જે બદલ પુસ્તકની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું, એમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.