દિવાળીમાં રંગો, આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી

અમદાવાદઃ દિવાળી પર દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરે છે. દિવાળીની રોનક અને ઉજવણી રંગોળી વિના અધૂરી રહે છે. દીપોત્સવીમાં ઘરના આંગણાને મનગમતા રંગો અને આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી ગઈ છે. જુદા-જુદા રંગોની સાથે રંગોળી પૂરવામાં સરળતા રહે એ માટે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુની જાળીઓમાં દેવી-દેવતા, શુભ ચિહનો, આકૃતિઓ. બજારમાં ઉપલબ્ધ છે. શહેરના તમામ વિસ્તારના બજારો દીપોત્સવી પહેલાં રંગબેરંગી થવા માંડ્યા છે.

દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે એ સાથે જ રંગો ભરેલી લારીઓ, પાથરણાંવાળાં બજારમાં આવી જાય છે. આ વખતે કોરોના કાળને કારણે દિવાળીમાં લોકોએ ઘરઆંગણે રંગોળી ખાસ દોરવી જોઈએ, જેથી છૂટક આવક કરીને પેટિયું રળીને કમાણી કરતા લોકોને મદદ મળી રહે.

દિવાળીની ઉજવણીની તૈયારીઓ દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરી તેને શણગારે છે. માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર વિચરણ કરે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરે છે, જે ઘર સ્વચ્છ હોય અને જેના આંગણામાં સુંદર રંગોળી માતાના સ્વાગત માટે બનેલી હોય.

(પ્રજ્ઞેશ વ્યાસ)