અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ૧-૭ જાન્યુઆરી સુધી સાત દિવસ સવારે ૮:૩૦થી સાંજે 4 વાગ્યા સુધી ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં તમામ રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન મફત આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં અંદાજિત ૨૫,૦૦૦ લોકો લાભાન્વિત થશે.
આ મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં યુ.એસ.એ., કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, સિંગાપોર વગેરે એમ દેશ-વિદેશના ૨૦૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જોડાયા છે, જેઓ પોતાના વર્ષોના અનુભવ અને જ્ઞાનનો લાભ આ ક્ષેત્રના લોકોને આપી સહાય કરી રહ્યા છે. કેમ્પની પૂર્વતૈયારી રૂપે ધરમપુર, કપરાડા, ડાંગ, આહવા, પારડી, વાંસદા આદિ સાત તાલુકાના ૬.૫ લાખ લોકોમાં આ કેમ્પનો પ્રચાર અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે અગાઉથી જ ૨૦૦થી વધુ સર્જરીઓ યોજવામાં આવી હતી, જે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના છ અત્યાધુનિક ઓપેરશન થિએટરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ કેમ્પમાં ૧૫૦થી વધુ સર્જરીઓ થઈ ચૂકી છે અને ૫૦૦૦થી વધુ સર્જરીઓ તથા અન્ય પ્રક્રિયાઓ જેમ કે સોનોગ્રાફી, એક્સ રે, એમ.આર.આઈ, સિટી સ્કેન વગેરેની નોંધણી કરાઈ છે, જે કરવામાં આવશે.
અહીં વ્યાપક મફત સારવાર સેવાઓ આપવામાં આવી રહી છે જેમ કે જનરલ મેડિસિન, જનરલ સર્જરી, વિકલાંગ, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ ચિકિત્સા, હૃદયરોગ, કેન્સર, કાન, નાક અને ગળું, ચામડીના રોગો, પ્રોસ્ટેટ, હાડકાના રોગ, નેત્રરોગ (મફત ચશ્માં આપવામાં આવશે ), આંતરડા, કિડની, ફેફસાં, માનસિક રોગ, દાંતના રોગ, મગજની બીમારી (ન્યુરોલોજી) વગેરે. સાથે જ રેડિઓલોજી (સી.ટી.સ્કેન વગેરે), પેથોલોજી, તમામ પ્રકારની દવાઓ, ફિઝિયોથેરાપી, લોહીની તપાસ (એનિમિયા) વગેરે પણ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક સર્જરી, હૃદય રોગ અને કેન્સર સહિત અનેક સર્જરીઓ પણ કરવામાં આવી રહી છે. આ સાથે કેમ્પના પ્રથમ દિવસે અહીં બે વિશિષ્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પહેલી એમ્બ્યુલન્સ ‘ચશ્માં પ્રોજેક્ટ’ માટે છે, જે દૂરના વિસ્તારોમાં ફરશે અને દર્દીઓની આંખની તપાસ કરી ચશ્માં આપશે. બીજી કાર્ડિયાક એમ્બ્યુલન્સ છે.