વાઇબ્રન્ટ સમિટ, PMના રોડ-શો પહેલાં તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદઃ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જે વિસ્તારમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેશન પસાર થવાનું છે. એ તમામ વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાવવાનો છે. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ જોડાશે. અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે. ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ સમિટ અને વડા પ્રધાનના રોડ શો પહેલાં સમગ્ર રોડ પર  જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ એક્ટિવિટી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોડના ડિવાઇડર, રેલિંગનું રંગરોગાન થઈ રહ્યું છે.

આખાય માર્ગ પરના તૂટેલા ભાગોનું સમારકામ થઇ રહ્યું છે. આ સાથે નવાં વૃક્ષો રોપાઈ રહ્યાં છે. ડિઝાઇનર થાંભલા ઊભા કરી એમાં લટકતાં છાબડાં અને રંગબેરંગી છોડ તૈયાર કરાઈ રહ્યાં છે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર ખજૂરીના વિશાળ વૃક્ષને રોપવામાં આવી રહ્યાં છે.

અમદાવાદના એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ તરફ જતા માર્ગને સ્વચ્છ અને સમારકામ કરવા માટે  રાજ્ય સરકારના જુદા-જદા વિભાગ તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગી ગયું છે. શહેરના માર્ગો પરનાં દબાણો હટાવી વીવીઆઇપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોશનીથી અમદાવાદ શહેર અને ગાંધીનગરના માર્ગોને સજાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રોથ એન્જિન ગુજરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, ડેવલપમેન્ટને લગતાં વિશાળ હોર્ડિંગ્સ તમામ માર્ગો પર મૂકવામાં આવ્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)