રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. પણ એન્ટ્રીના બીજા જ દિવસે ચોમાસુ નબળુ પડતું જોવા મળ્યું હતુ. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રામાણે રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ નોઁધાવવાની શક્યતા સેવાય રહી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રાના અમરેલીમાં ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા મન મુકી વરસ્યા હતા. અમરેલીમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત મોટા ગોરખવાળા, ચાંદગઢ, લાપાળિયા, સહિતનાં ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ આજે સારોએવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તો બીજી બાજું તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાલોડ તાલુકામાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો, જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. તાપીના વ્યારા, સોનગઢ, વાલોડમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.આજે સવારે આણંદના ખંભાતમાં હળવો વરસાદ વરસ્યો હતો. ખંભાત ઉપરાંત નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.

અમદાવાદમાં તાપમાન પારો ગગડ્યો
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આવતીકાલથી આ મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડાની શક્યતા જોતાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થાય એવી શક્યતા છે. અમદાવાદમાં વરસાદ બાદ એર ક્વોલિટી ઇન્ડેક્સની ગુણવત્તા વધી છે. 100 થી ઉપર રહેતો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 35ની આસપાસ પહોંચ્યો છે, જે શહેરની હવાની સારી ગુણવત્તા દર્શાવી રહ્યો છે.