રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ આજે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું અને 13 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદની સારી બેટીંગ જોવા મળી રહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ રહી છે. આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદી માહોલ બંધાયો હતો. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો ખેતી કામે જોતરાઈ ગયા છે. તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થતા હતા. ડાંગ અને સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જ્યાં સુરતમાં ભારે વરસાદને પગલે મુખ્ય બજારમાં પાણી વહેતા થાય. તો નવસારી જિલ્લામાં આજે સવારે 08 થી બપોરના 12 દરમિયાન 2 ઈંચ, તો જલાલપોરમાં 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ, ચીખલીમાં 2 ઈંચ, વાંસદામાં 3 ઈંચ જ્યારે ખેરગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત જિલ્લાના મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે આજે સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ઉમરપાડામાં નોંધવામાં આવ્યો છે. કડાણા તાલુકામાં પોણા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 202 MM, વડગામમાં 100 MM, કડાણા 84 MM,શહેરા 71 MM,તિલકવાડા 67 MM,ખાનપુર 57 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં સિઝનનો એવરેજ 21.14 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા વરસાદ નોંધાયો છે.