રાજ્યના 63 તાલુકામાં વરસાદ, દાંતામાં જળબંબાકાર

રાજ્યમાં મેઘરાજ  બરાબર બેટિંગ કરી રહ્યા છે. હાલ સુધીમાં લગભગ 20 ટકા જેટલો ગુજરાતમાં વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આગામી દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નજર કરીએ વાઈઝ વરસાદની પરિસ્થીતી પર તો સૌરાષ્ટ્ર હાલ સુધીમાં 29.15 ટકા, જ્યારે કચ્છમાં 25.59 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 20.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.71 ટકા, ત્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 12.95 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. દાંતામાં તો આજે આભ ફાટ્યા જેવી પરિસ્થીતી સર્જાય હતી. ચાર કલાકમાં જ 8 ઈંચ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. જેને પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તો પાલનપુરમાં પણ બે ઈંચ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી બાજું સુરત જિલ્લા સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે કડીમાં 24 કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી.

આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભિલોડા વિસ્તારકમાં સતત બે દિવસથી વરસાદ નોંધાય રહ્યો છે. ભારે વરસાદના પગલે નાદરી નદીમાં પાણીની આવક થઈ છે. નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. જ્યારે દાંતામાં ભારે વરસાદના પગલે પર્વત માળામાં ધોધ અને ઝરણાં જીવંત થયા હતા. ધોધ અને ઝરણાં જીવંત થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.